Saturday, May 22, 2021

ગઝલ

પળમાં જીવું, પળને જાણું

બીજું તો ક્યાં છે પરમાણું


લખ્યો લખાવ્યો અક્ષર ફોગટ

મોજ પડે તે સાચો જાણું


વાટ ભાળતા વરસ લાગે

ઓચિંતાનું આવે ટાણું


મારગ વચ્ચે મળી જાય તો

છેક લગી શા માટે તાણું


સૂર જરા લાગે જો સાચો

ગાયા કરવું મનનું ગાણું


તે તો મબલખ આપ્યું બાબા

પણ મારું આ ગજવું કાણું


- રમણીક સોમેશ્વર 

મહારાણી

  

હર્ષની, ઉલ્લાસની લ્હાણી જ છે, 

જિદગીને ક્યાં તમે માણી જ છે.


સત્ય કહેવાથી ડરો છો કેમ આમ?

છે નસોમાં લોહી કે પાણી જ છે?


ખાસ મરમી હોય એ સમજી શકે,

આ સુગંધો પુષ્પની વાણી જ છે!


કેટલા આવ્યા સિકંદર ને ગયા,

ક્યાં કોઈની ખોટ વર્તાણી જ છે!


જેણે જેણે પણ અહમ્ પોષ્યો દિલે,

એની લંકા ખાસ લૂંટાણી જ છે.


છે બધા પાવન પ્રકારો પદ્યના,

પણ ગઝલ કંઈ ઓર લેખાણી જ છે.


આપ એને લેખિની માનો ભલે,

મારે મન તો એ મહારાણી જ છે.


ચ્હાય છે સૌને મુસાફિર આમ તો,

પણ તમારો ખાસ બંધાણી જ છે.


- મુસાફિર પાલનપુરી

ગઝલ

પળમાં જીવું, પળને જાણું બીજું તો ક્યાં છે પરમાણું લખ્યો લખાવ્યો અક્ષર ફોગટ મોજ પડે તે સાચો જાણું વાટ ભાળતા વરસ લાગે ઓચિંતાનું આવે ટાણું મારગ...