હર્ષની, ઉલ્લાસની લ્હાણી જ છે,
જિદગીને ક્યાં તમે માણી જ છે.
સત્ય કહેવાથી ડરો છો કેમ આમ?
છે નસોમાં લોહી કે પાણી જ છે?
ખાસ મરમી હોય એ સમજી શકે,
આ સુગંધો પુષ્પની વાણી જ છે!
કેટલા આવ્યા સિકંદર ને ગયા,
ક્યાં કોઈની ખોટ વર્તાણી જ છે!
જેણે જેણે પણ અહમ્ પોષ્યો દિલે,
એની લંકા ખાસ લૂંટાણી જ છે.
છે બધા પાવન પ્રકારો પદ્યના,
પણ ગઝલ કંઈ ઓર લેખાણી જ છે.
આપ એને લેખિની માનો ભલે,
મારે મન તો એ મહારાણી જ છે.
ચ્હાય છે સૌને મુસાફિર આમ તો,
પણ તમારો ખાસ બંધાણી જ છે.
- મુસાફિર પાલનપુરી
No comments:
Post a Comment